Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલેન્ટાઈન્સ ડે વિશેષઃ પ્રેમી-પ્રેમિકાએ જોયા વિના પ્રેમપત્રના સથવારે આખી જિંદગી પસાર કરી

વેલેન્ટાઈન્સ ડે વિશેષઃ પ્રેમી-પ્રેમિકાએ જોયા વિના પ્રેમપત્રના સથવારે આખી જિંદગી પસાર કરી
P.R
લવ, પ્રેમ, પ્યાર, સ્નેહ, મહોબ્બત, ઈશ્ક, ચાહ, પ્રણય વગેરે અનેક અર્થ ગૂગલ પર પ્રેમનો મિનિંગ સર્ચ કરવાથી મળી રહે. પણ પ્રેમ કે મહોબ્બત કે ઈશ્ક કેમ થાય છે? શું કામ થાય છે? વળી બ્યૂટિફૂલ બેબ્સ કોઈ હેન્ડસમ હન્ક પ્રત્યે જ આકર્ષાય તેવું પણ પ્રેમમાં બનતું નથી. કુરૂપ વ્યક્તિ પ્રત્યે અપ્સરા કે પરી જેવી સુંદર વ્યક્તિને પ્રેમ થાય. પ્રેમ કેમ થાય છે કે શું કામ થાય છે તેના કોઈ અર્થ દુનિયાની કોઈ ભાષાની ડિક્શનરીમાં તમને લાખ શોધવાથી પણ નહીં મળે. કારણ કે પ્રેમનો પર્યાય તો તેઓ જ જાણે છે જેમણે પ્રેમ કર્યો છે, જેમણે વિરહની વેદના વેઠી છે, કે જેમણે પ્રેમ કર્યો છે. કારણ કે જે પ્રેમ કરે છે તે જ વેઠે છે. કારણ કે તેમના જીવનના ચેક લિસ્ટમાં પ્રેમનું સ્થાન પ્રથમ હોય છે બાકી બધું અંતિમ સ્થાન પર. સાચા પ્રેમી માટે માત્ર જીવનમાં એક માત્ર ગોલ છે પ્રેમી કે પ્રેમિકાને દિલોજાનથી ચાહવું. ભલે પછી તે પ્રિયજન કે લવર્સથી એક પ્રકાશવર્ષ દૂરની દુનિયામાં હોય! ઘેટ ડઝન્ટ મેટર. બસ કોઈ જ અપેક્ષા, સુખ, કે લવર્સને શારિરીક રીતે પામવાની એષણા વિના બસ પ્રિયપાત્રને ચાહવું તે જ પ્રેમ, તે જ લાગણી, તે જ ઈશ્ક અને તે જ મહોબ્બત. આજની સો કોલ્ડ ભૌતિકતાની બોલબાલવાળી દુનિયામાં આવો પ્રેમ શકય છે ખરો?

વેલેન્ટાઈન પર એક એવા ફિલસૂફ પ્રેમી યાદ આવે જેમણે આખી જિંદગી પોતાની પ્રેમિકાને (ફોટો જોયો હતો) સદેહે જોયા વિના પસાર કરી. માત્ર એકબીજાના પ્રેમપત્રના સથવારે. લેબનોનના બહુ જાણીતા લેખક-ફિલસૂફ ખલીલ જીબ્રાને તેમની પ્રેમિકા મે ઝિયાદને લખેલા પ્રેમપત્રો તેમના આધ્યાત્મિક, ચૈતસિક, માનસિક અને તાત્ત્વિક પ્રેમની કહાની છે. બહુ ઓછા લોકો એવા નસીબદાર હોય છે જેને સાચો પ્રેમ મળે. સાચા પ્રેમનો અર્થ જીવવા મળે. જીબ્રાન પણ તેવા જ એક નસીબદાર હતા. જિંદગીના ત્રેવીસ વર્ષ ખલીલ જીબ્રાને અને તેમની પ્રેમિકા મે ઝિયાદે એકબીજાને પ્રેમ પત્ર લખ્યા. જીબ્રાન અડતાલીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યા ત્યાં સુધી આ પ્રેમપત્રની ધારા વહેતી રહી. જીબ્રાને મે ને ત્રણસો પચીસ અને મેએ જીબ્રાનને બસો નેવું પત્ર લખ્યા. ત્યારે ઈ મેઈલ, એસએમએસ કે વ્હોટસ એપ ન હતા. એટલે પત્રને એક દેશથી બીજા દેશ પહોચવામાં મહિનોઓ થતા. તે સમયગાળામાં જીબ્રાન મેની સાથે મનોમન વાત કરતા. મેની કાલ્પનિક મૂર્તિને જોતા અને અનુભવતા. મેની જીબ્રાન પ્રત્યેની ઘેલછા માત્ર જીબ્રાનના પત્રોથી જ સમજવાની રહે કારણ કે મેના પ્રેમપત્રોને તેમના પરિવારે પબ્લિશ નથી થવા દીધા. પણ જીબ્રાનના પ્રેમ પત્રોથી બન્ને વચ્ચેની સંવાદિતા દૃશ્ય બને છે. જીબ્રાનના જીવનમાં મે પહેલાં બે સ્ત્રી આવી હતી. પણ તે બાબતે ન મેએ કે ન જીબ્રાને કોઈ ટિપ્પણી કરી છે. કોઈને ચાહવા માટે કોઈના ભૂતકાળને ફંફોસવાની જરૂર શી? કદાચ તેમની મિત્રતા જીબ્રાનના જીવન સુધી ટકી તેનું રહસ્ય તે જ છે કે બન્નેએ એકબીજાને શબ્દોથી ચાહ્યા. અને પોત પોતાની સ્પેસમાં મુક્ત મને વિહર્યા. જીબ્રાન સ્ત્રીઓને ખૂબ આદર આપતા. ચૌદ વર્ષ મેરી નામની સ્ત્રી સાથેના સંબંધ પછી જીબ્રાનને એક દિવસ મેરી જણાવે છે કે તે કોઈ બીજાને પરણી રહી છે. જીબ્રાન તેને કહે છે, હું તને શાશ્ર્વત પ્રેમ કરું છું, કરતો રહીશ. કારણ મારો પ્રેમ કયારેય શરીરી ન હતો. જીબ્રાનના જીવનમાં સતત સ્ત્રીમિત્ર આવતી રહી અને તેમનાથી દૂર થતી રહી. પણ મે સાથેનો પત્ર પ્રેમ જીવનભર ટકી રહ્યો. જીબ્રાન કબૂલ કરે છે કે તેમનું જીવન દર્શન તેની બહેન મારીઆના અને બીજી છ મિત્ર કાર્લા, જોસેફાઈન, મિશેલાઈન, શાર્લોટ, મેરી અને મેને આભારી છે. બધી સ્ત્રી મિત્ર ઉંમરમાં તેનાથી મોટી હતી. એક માત્ર મે તેનાથી સાત વર્ષ નાની હતી. મેરી ચૌદ વર્ષ સતત સાથે રહી જ્યારે મે કદી સદેહે પણ મળી ન હતી. તે માત્ર પત્રરૂપે તેની નિકટ રહી. છતાં જીબ્રાનના મનોજગતને સૌથી વધારે તે સમજતી હતી. જીબ્રાન અને મેનો પ્રેમ સમજવો અધરો છે. બન્નેએ એકબીજાને અનહદ ચાહ્યા. કોઈ દુન્યવી આશા-અપેક્ષા વિના. તેમની પત્ર મૈત્રીની શરૂઆતમાં જીબ્રાન મેને હદરત અલ-અદીબાહ અલ ફદીલા તેવું સંબોધન કરતા. પછી તે મારી પ્રિય મે તેવું સંબોધન વાપરતા. તેમના પત્રમાં તે મેને લખતા તે કયું પુસ્તક વાંચે છે, પહેલાં વિશ્ર્વયુદ્ધ વિશેની તેમની વેદના, તેમને સંગીતનો શોખ છે પણ કોઈ વાજિંત્ર વગડતા નથી આવડતું તેનો અફસોસ, તેના ન્યૂ યોર્કમાં આવેલો સ્ટૂડિયો, લેબનોનની જમીન, પર્વતો, વૃક્ષો તેની સુગંધને જીબ્રાન યાદ કરતા. મેને આ પુસ્તક તે પુસ્તક વાંચવાની ભલામણ કરતા. તે વિશે મેના અભિપ્રાય જાણવા ઉત્કટ રહેતા. બન્ને વચ્ચેની પત્રમૈત્રીમાં બન્નેનું એકમેક તરફનું માન ઉત્તરોત્તર વધતું દેખાય. પત્રપ્રેમ થકી મે અને જીબ્રાન વચ્ચે એવી ટેલિપથી રચાય છે કે મે જરા પણ મુશ્કેલીમાં હોય તો તેનો અંદેશો જીબ્રાનને મળે. એક પત્રમાં જીબ્રાન તેનો ઉલેખ્ખ કરે છે કે તેણે એક બિહામણું સપનું જોયું જેમાં મે વિકટ પર્વત પર ફસાય છે. અને હકીકતમાં તેવું બન્યું કે મેના જીવનમાં તે સમયે ખરેખર મુશ્કેલીઓ હતી. આ બન્નેની પત્ર મૈત્રીમાં વચ્ચે એવો સમય પણ આવ્યો જ્યારે બન્ને વચ્ચેનો પત્ર વ્યવહાર થોડા સમય માટે થંભી ગયો જેને જીબ્રાન મેના મૌન તરીકે ઓળખાવે છે. ઘણીવાર પ્રિયજનથી દૂર રહેવું તે પણ તેને ચાહવાનો એક ભાગ હોય તેમ બને. આ શોર્ટ બ્રેક પછી બન્ને વચ્ચે પત્ર મૈત્રી જીબ્રાનના મૃત્યુ સુધી અતૂટ રહી. આવી ઉત્કટ મિત્રતાને કારણે જ જ્યારે જીબ્રાનનું અવસાન થાય છે ત્યારે થોડા સમય માટે મે પોતાનું માનસિક સમતુલન ખોઈ બેસે છે. પ્રિયજનને ભલે સહેદે જોયો ન હોય પણ તેનું દૈહિક અસ્તિત્વ પૃથ્વી પર નથી તે સ્વીકારવું કોઈ સાચા પ્રેમી માટે શક્ય નથી હોતું ને! જીબ્રાન તેના માટે એક સ્વપ્ન હતો. જે સતત તેને ચાહતો, તેની દરકાર કરતો તેના અભિપ્રાયની તેને કિંમત હતી, તે મેના જીવન ફિલસૂફને ચાહતો હતો. ચાર-છ મહિના પછી મિત્રોની મદદથી મે સારવાર લઈને પોતાના અસ્તિત્વને સંભાળે છે અને પિતાના મન્થલી મેગેઝિનને ફરી ચાલુ કરી પોતાનું શેષ જીવન વિતાવે છે.

જીબ્રાન-મેના પ્રેમને આજના સંદર્ભમાં સમજવો અધરો છે. કારણ આજે શરીરી પ્રેમની બોલબાલા વધી છે ત્યાં સાત્વિક પ્રેમની વાત કરવી કે તેને ઉજાગર કરવો એટલે પોતાના પર ઓલ્ડીનું ટેગ લગાવવું. પણ તૂંડેં તૂંડે મતિ ભિન્ન તેમ દરેકની પ્રેમ કરવાની રીત પણ નિરાળી હોય છે. જે પ્રેમી મળી શકતા નથી તે જ અમર બને છે? તેવા દાખલા અનેક સાહિત્ય કે લોકકથાની વાર્તાઓમાં જેસલ-તોરલથી લઈને રોમિયો જુલિયેટ સુધી મળી રહે. પણ તેથી એમ સાબિત નથી થતું કે સાચો પ્રેમ જે પ્રેમી મળી નથી શકતા તે જ કરે છે. તો સાચો પ્રેમ કયો? રોમિયો-જુલિયેટનો, જે ટીનએજર સંમોહન હતું કે પછી જીબ્રાન-મે જેવો પરિપકવ પ્રેમ?

જેમ પ્રેમ કરવો કે પ્રેમ થવો કે અમુક વ્યક્તિ પ્રત્યે જ થવો તેનું કોઈ લોજીક નથી તેમ સાચો પ્રેમ કોને કહેવો તે કોઈ સાયન્ટિફિક થિયેરી નથી કે તેને કોઈ નિશ્ર્ચિત ફોર્મ્યુલામાં ગણીને ક્યુઈડી કહી દઈએ. કબીર કહે છે ને તેમ અકથ કહાની પ્રેમ કી કુછ કહીં ન જાયે. ગૂંગે કેરી શર્કરા બૈઠે ઓર મુસ્કુરાયે.. તે જ પ્રેમની ફોર્મ્યુલા? કે પછી જેમ કલાકાર કહે છે ને કે આર્ટ ફોર આર્ટસ સેક એટલે કે કલા ખાતર કલા. તેમ લવ ફોર લવ સેક...ઈતિ સિદ્ધમ?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેલેંટાઈન સ્પેશ્યલ : લવ ગેમ્સ (Love Games)