Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીનો નિર્ણયઃ ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો, હિંમતનગર પાલિકાની હદ વધી

Bhupendra Patel
, બુધવાર, 13 માર્ચ 2024 (17:14 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી જનજીવન સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્‍મ સ્થળ ટંકારા આજે 22 હજાર જેટલી જનસંખ્યા ધરાવતું ગામ બની ગયું છે. ટંકારાના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીને 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
 
સોસાયટી વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા
ટંકારા ગ્રામ પંચાયત સાથે મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણપરને એકત્રિત કરીને આ નવી ટંકારા નગરપાલિકા કાર્યરત થશે. ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળવાથી જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, રોડ-રસ્તાની જાળવણી, પીવાનું શુદ્ધ પાણી, જાહેર સ્ટ્રીટ લાઈટ તેમજ ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા સુખાકારીના કામોને વેગ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય એવો પણ કર્યો છે કે, હિંમતનગર નગરપાલિકા વિસ્તાર બહાર આવેલી પેરીફેરી ઉપરના બળવંતપુરા (નવા), બેરણા, કાંકણોલ, હડીયેલ, પીપલોદી, કાટવાડ, પરબડા અને સવગઢ એમ કુલ 8 ગામોના હિંમતનગરે અડીને આવેલા સોસાયટી વિસ્તારોને હિંમતનગર નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે.
 
સિવિલ હોસ્પિટલ પણ હિંમતનગર નગરપાલિકામાં ભળી
હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ પણ હિંમતનગર નગરપાલિકામાં ભળતા આ હોસ્પિટલને વધારે સારી નાગરિક સુવિધાઓ મળશે જે સરવાળે પ્રજાજનોની સુખાકારીના વધારામાં પરિવર્તિત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતોની સર્વગ્રાહી વિચારણા કરીને હિંમતનગર નગરપાલિકામાં 8 ગામોના બિનખેતી વિસ્તારના અમુક સર્વે નંબરો ભેળવીને સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર વ્યવસ્થા સહિતની વિવિધ પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનાં દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગ્રાન્ટ વિકાસ કામો માટે મળતી થશે અને આ સોસાયટી વિસ્તારો શહેરના અન્ય વિસ્તારો સમકક્ષ વિકાસ કામો પણ હાથ ધરી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Loksabha Election 2024 - બીજી યાદી બાદ કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોને ફોન કર્યો, જાણો કઈ બેઠક પર કોને ફોન આવ્યે