Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસમાં સગા-સંબંધીઓને મળતા સ્થાન અંગે હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ થશે

ગુજરાત કોંગ્રેસમાં સગા-સંબંધીઓને મળતા સ્થાન અંગે હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ થશે
, સોમવાર, 19 માર્ચ 2018 (16:25 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓને પક્ષમાં સારૂં સ્થાન આપવાની વાત કરે છે અને બીજીબાજુ  ગુજરાતમાં કાર્યકર્તાઓને બદલે પ્રદેશ નેતાઓના અંગત સગા-સંબંધીઓને જ સ્થાન મળતું હોવાનું ચિત્ર ઉપસી આવે છે. વિધાનસભાની ટિકિટો બાદ એઆઈસીસીનાં ડેલીગેટની નિમણુકોમાં પણ કોંગ્રેસ પાયાના કાર્યકર્તાઓને ભૂલી ગઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તેમજ વારંવાર ચૂંટણી હારી જતાં નેતાઓને એઆઈસીસીના સભ્ય બનાવાતાં કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
આગામી દિવસોમાં હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ રજૂઆત કરવાની પણ તૈયારીઓ થઇ રહી છે.

કોંગ્રેસના અમુક સભ્યો તો એવા છે કે જેઓ 10 વર્ષમાં એક પણ ચૂંટણીમાં જીત્યા નથી. આ મામલે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ કરવાનો તખ્તો  ઘડાયો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ગુજરાતના 68 પ્રતિનિધિઓ જાહેર થતાં જ પ્રદેશ કોંગ્રેસ સામે અન્ય કોંગી આગેવાનોમાં વિરોધી સૂર ઊભા થયા છે.  એવો આક્ષેપ થઇ રહ્યો છે કે પ્રદેશ કોંગ્રેસે યોગ્ય નામોની ભલામણ જ કરી નથી. 68 પૈકી 15 સભ્યો તો ક્યારેય ચૂંટણી જીત્યા જ નથી, સાથે જ અન્ય 21 સભ્યો એવા છે કે જેઓ પક્ષમાંથી જ ચૂંટણીની ટિકીટ મેળવવા સફળ થયા નથી. મોટા ભાગના નામો પ્રદેશ કોંગ્રેસના નેતાઓની નજીકના છે… આમ ‘સારા નહિ પણ મારા’ની નીતિ ચાલી હોવાનો કકળાટ કોંગ્રેસમાં જ ઊભો થયો છે.
તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી હારેલા પ્રદેશ નેતાઓ અર્જુન મોઢવાડિયા,  શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરીને પણ એઆઈસીસીમાં સામેલ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ સામે ફરિયાદો ઊઠી હતી.. જોકે માત્ર પ્રદેશ પ્રમુખ ભરતસિંહની નજીક હોવાના કારણે જ તેમને એઆઈસીસીમાં સ્થાન મળ્યું છે. આમ અશિસ્ત અને પક્ષ વિરોધીઓ સામે પગલાં ભરવાની પ્રદેશ પ્રમુખના દાવાની હવા નીકળી ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હિંમતસિંહ પટેલ વારંવાર ચૂંટણી હારતાં આવ્યા ને માંડ એકવાર જીત્યા તેમાં તો તેમને એઆઈસીસીમાં ગોઠવી દેવાયા. બીજી તરફ મહિલા પાંખના પ્રદેશ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે ત્યારે તેમને પણ એઆઈસીસીમાં સ્થાન અપાયું છે. એવામાં કોંગ્રેસ ક્યારે મજબુત વિકલ્પ બનશે તે એક સવાલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું ગુજરાતના ખેડૂતો ખેતીવાડી છોડી રહ્યાં છે ?