Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન શંકર

ભગવાન શંકર
, રવિવાર, 3 જૂન 2007 (09:41 IST)
ભગવાન શંકરને સૃષ્ટીના સંહારક માનવામાં આવે છે. તેમના સંહારક સ્વરૂપને રૂદ્ર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. વેદો-પુરાણોમાં રૂદ્રના અગીયાર સ્વરૂપ અથવા રૂદ્રની કથાનું વર્ણન છે. તેમની વિભૂતી બધા જ દેવતાઓમાં સમાયેલી છે.

ભારતના જુદા જુદા ભાગોમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લીંગ આવેલા છે. તે દ્વાદશ જ્યોતિર્લીંગ તરીકે પણ ઓળખાય છે. આ જ્યોતિર્લીંગના દર્શન, પૂજાથી જનમ-જનમના પાપ-દુષ્કૃત્યોનો નાશ થાય છે અને તેઓ ભગવાન શિવની કૃપાદ્રષ્ટીને પાત્ર બને છે.

ભગવાન શિવના આરાધકોએ વહેલી સવારે સ્નાન કરીને, ધોયેલા, શુદ્ધ વસ્ત્રો પહેરીને, કપાળ પર તીલક લગાવીને શુભ મૂહુર્તમાં શીવપૂજા કરવી જોઈએ. ભગવાન શંકર ભોળાનાથ સ્વરૂપે પણ પૂજાય છે. તેઓ તેમના નામ અનુસાર પ્રાણી માત્ર પ્રત્યે અપાર પ્રેમ અને અનુકંપા ધરાવે છે. તેઓ પ્રાણીમાત્રની ઈચ્છાપૂર્તિ કરવા સદાય પોતાની કૃપા ભક્તો પર અવિરતપણે વરસાવતા રહે છે. જેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ નીચેની પૌરાણીક વાર્તામાં જોવા મળે છે.

એક વખત ભગવાન નટરાજ શિવના તાંડવ નૃત્યને નીહાળવા સમસ્ત દેવતાઓ સાથે કૈલાસ પર્વત પર આવ્યા. તે વખતે જગતજનની માતા ગૌરી પણ ત્યાં રત્નસિંહાસન પર ઉપસ્થિત હતા. દેવર્ષિ નારદ પણ ત્યાં શિવનૃત્ય નિહાળવા આવી પહોંચ્યા. થોડી જ વારમાં ભગવાન શિવ પણ ત્યાં આવી પહોંચ્યા. ભગવાન શિવે ભાવવિભોર થઈને તાંડવ નૃત્ય શરૂ કર્યુ. બધા દેવીદેવતાઓ પણ ભગવાન શિવના નૃત્યમાં સહયોગી બનીને જુદા જુદા વાદ્ય વગાડવા લાગ્યા.

મા સરસ્વતી વીણાવાદન કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન મૃદંગ વગાડવા લાગ્યા. દેવરાજ ઈન્દ્ર વાંસળી વગાડવા લાગ્યા. બ્રહ્માજી હાથથી તાલ આપવા લાગ્યા. લક્ષ્મીજી પણ ગાવા લાગ્યા. જ્યારે અન્ય દેવતાઓ, ગંધર્વો, કિન્નરો, યક્ષ, ઉરગ, પન્નગ, સિદ્ધો, અપ્સરાઓ, વિદ્યાધરો વગેરે ભાવવિહળ બનીને ભગવાન શિવની આસપાસ ઉભા રહીને તેમની સ્તુતિ કરવા લાગ્યા.

ભગવાન શિવે પ્રદોષકાળમાં આ બધી વિભૂતીઓ સમક્ષ અત્યંત અદભૂત, વિસ્મયકારી તાંડવ નૃત્ય કર્યુ. તે જોઈને બધા જાણે કૃપાપ્રાર્થી થઈ ગયા. બધાએ જ ભગવાન શિવના નૃત્યની પ્રશંસા કરી. ભગવતી મહાકાળીએ પ્રસન્ન થઈને શિવજીને કહ્યું, ભગવાન આજે તમારા આ નૃત્યથી મને ઘણો જ આનંદ થયો, હું ઈચ્છું છું કે તમને કોઈ વરદાન આપું.

ભગવતી મહાકાળીની વાત સાંભળીને શિવજીએ કહ્યું, હે દેવી આ તાંડવ નૃત્યને જોઈને તમે તેમજ બધી યોનીઓના પ્રાણીઓ વિહવળ થઈ રહ્યા છે, જો કે પૃથ્વીવાસીઓ આ આનંદથી વંચિત રહી ગયા છે. આપણા ભક્તોને પણ આ સુખ પ્રાપ્ત નથી થયું. તેથી તમે પૃથ્વીવાસીઓને પણ આ આનંદ પ્રાપ્ત થાય એવું કંઈક કરો. પરંતુ હવે હું તાંડવથી વિરક્ત થઈને માત્ર રાસ કરવા માંગુ છું.

ભગવાન શિવની વાત સાંભળીને ભગવતી મહાકાળીએ બધા દેવીદેવતાઓને જુદાજુદા સ્વરૂપે પૃથ્વી પર અવતાર લેવાનો આદેશ આપ્યો. આ બંને પરમતત્વોએ પૃથ્વી પર વૃંદાવનધામમાં પધારીને અલૌકીક, દેવદુર્લભ રાસનૃત્ય કર્યુ. ભગવાન શિવની નટરાજની ઉપાધિ અહીં ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત થઈ. પૃથ્વીવાસીઓ આ નૃત્યથી ભાવવિભોર થઈ ઉઠ્યા અને ભગવાન શિવની ઈચ્છા પૂરી થઈ.

Share this Story:

Follow Webdunia gujarati