Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચા વગર આ પોપટને કાંટો ચડતો નથી

ચા વગર આ પોપટને કાંટો ચડતો નથી
, ગુરુવાર, 14 મે 2015 (14:23 IST)
સવારે ચા ન મળે તો કાઠિયાવાડીને કોંટો ન ચડે. આ વાત અત્યાર સુધી તો ખાલી સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેતા લોકોને જ લાગુ પડતી, પણ હવે તો આ વાત પોપટને પણ લાગુ પડવા માંડી છે. ઍટ લીસ્ટ જામનગરના જિજ્ઞેશ નામના પોપટને તો લાગુ પડી જ છે. આ જિજ્ઞેશ જ્યાં સુધી સવારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા ફિરોઝ પઠાણના ઘરની ચા ન પીએ ત્યાં સુધી એને ચેન નથી પડતું. છેલ્લાં ચાર વર્ષથી ફિરોઝભાઈ અને પોપટનો આ નિત્યક્રમ થઈ ગયો છે. સવારે પોપટનું આવવું, સાથે ચા પીવી અને પછી પોતપોતાના કામે લાગવું. એવું નથી કે આ પોપટ ફિરોઝભાઈએ પાળ્યો હોય. અનાયાસે જ પોપટ તેમના ઘરે આવ્યો હતો અને ફિરોઝભાઈની ચાની પ્લેટમાંથી ચા પીવા માંડ્યો હતો. પહેલી વાર પોપટ ઘરે આવ્યો એ દિવસને યાદ કરતાં ફિરોઝભાઈએ કહ્યું હતું, ‘મારો જિજ્ઞેશ નામનો એક ફ્રેન્ડ હતો, જેનું ઍક્સિડન્ટમાં ડેથ થયું. ૨૯ ઑક્ટોબર, ૨૦૧૦ના એ ઍક્સિડન્ટ થયો અને એના બીજા જ દિવસે સવારે આ પોપટ ઘરે આવ્યો. એ સમયે હું અપસેટ હતો, પણ પોપટ આવ્યા પછી મને થોડું સારું લાગ્યું. હું ત્યારે ચા પીતો હતો. મેં મજાકમાં એને ચા ધરી તો પોપટે ચા પીધી અને પછી તો એ પાછો બીજે દિવસે પણ આવી ગયો અને આ અમારો નિત્યક્રમ થઈ ગયો.’

ઘરે આવતા આ પોપટને પોતાના ફ્રેન્ડનું નામ પણ ફિરોઝભાઈએ જ આપી દીધું છે. હવે તો આ પોપટને આખી સોસાયટી જિજ્ઞેશના નામે જ બોલાવે છે. સોસાયટીના અનેક લોકોએ આ પોપટને ચા પિવડાવવાની કોશિશ કરી છે, પણ જિજ્ઞેશ બીજા કોઈની ચાને આંગળી પણ સૉરી, ચાંચ પણ અડાડતો નથી.

Share this Story:

Follow Webdunia gujarati