Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dashama Vrat 2023 - દશામાનુ વ્રત કેવી રીતે કરવુ ? જાણો દશામાનુ વ્રત કરવામાં શુ ધ્યાન રાખવુ

dashama vrat
, મંગળવાર, 11 જુલાઈ 2023 (18:01 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે અષાઢ  મહિનાની અમાસથી દસ દિવસ સુધી રાખવામાં આવતુ વ્રત દશામાના વ્રત વિશે વાત કરીશુ. આજે અમે આપને બતાવી રહ્યા છે દશામાના વ્રતમાં શુ કરવુ કેવી રીતે પૂજા કરવી અને શુ ધ્યાન રાખવુ તેના વિશેની સંપૂર્ણ માહિતી... 
 
દશામાનુ વ્રત કરવાથી ગરીબને ધન મળે છે. વાંઝિયાના ઘરે પારણુ બંધાય છે. રોગીને નિરોગી કાયા મળે છે. ટૂંકમાં  કહીએ તો આ વ્રત કરવાથી આપણી દરેક દશા સુધરે છે. આ  વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી આ વ્રત સૌને ફળે છે. આ વ્રત કરવાથી કોઈપણ સમસ્યા હોય કે કોઈપણ સંકટ હોય દશામા આપણી મદદ જરૂર કરે છે. 
 
દશામાનુ વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. આ વ્રત દસ દિવસનુ હોય છે. અષાઢ સુદ અમાસના દિવસે દશામાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવે છે.  પછી એક દોરા પર દસ ગાંઠ મારીને એ દસ ગાંઠ પર ચાંદલા કરવામાં આવે છે. પછી આ દોરાને કળશ પર બાંધીને દસ દિવસ સુધી મૂર્તિ અને કળશની પૂજા આરતી કરવામાં આવે છે. 
 
દશામાનુ વ્રત કરનારા લોકો દસ દિવસ સુધી વ્રત ઉપવાસ કરે છે. વ્રત ઉપવાસ તમે તમારી શ્રદ્ધા ભક્તિ અને સાથે જ તમારી શારીરિક ક્ષમતા મુજબ કરી શકો છો. મતલબ કે નકોરડા ઉપવાસ કરો કે પછી એક ટાણુ ભોજન કરીને વ્રત કરી શકો છો. આ વ્રત એકવાર શરૂ કર્યા પછી સતત 5 વર્ષ કરવામાં આવે છે. આ વાતનુ ધ્યાન રાખો કે જે રીતે પ્રથમ વર્ષે દશામાનુ વ્રત કર્યુ હોય એ જ રીતે બાકીના ચાર વર્ષ વ્રત કરવાનુ હોય છે. 5 વર્ષ પછી આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણી કર્યા પછી પણ તમે વ્રત કરવા માંગતા હોય તો કરી શકો છો પણ તેમા તમારે ઉજવણી કરવાની જરૂર નથી.  આ વ્રત કરવા દરમિયાન હંમેશા લાલ, લીલા કે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. માતાજીને રોજ નૈવેદ્ય જરૂર ધરાવો અને આરતી કરો.  સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવુ કે જો માસિક ધર્મ હોય તો તમારે વ્રત તો કરવાનુ જ પણ પૂજા કોઈ અન્ય પાસે કરાવી લેવી. આ વ્રત કરનારે દસ દિવસ વ્રત કથા જરૂર સાંભળવી. 
 
આ વ્રતમાં દશામાની પૂજા સવારે વહેલા કરવામાં આવે છે. માતાજીને ઘઉ ચોખા અબીલ ગુલાલ અને નૈવેદ્ય રોજ અર્પણ કરો. જો તમારો પૂજા પ્રત્યે ભાવ સાચો હશે તો તમને આ વ્રતનુ ફળ જરૂર મળશે.  તમારી બધી ઈચ્છા પૂરી થશે. દશામા હંમેશા તમારા અને તમારા પરિવાર પર આશીર્વાદ કાયમ રાખશે.  આ દસ દિવસ શક્ય હોય ત્યા સુધી પુણ્યના કામ કરવા.  જો તમારા ઘરની આસપાસ ક્યાક દશામાનુ મંદિર હોય તો તમારે ચોક્કસ ત્યા દર્શન કરવા જવુ જોઈએ નહી તો આજકાલ તો યુટ્યુબ પર પણ તમે દશામાનુ જ્યા પણ મંદિર હોય તેના ઓનલાઈન દર્શન કરી શકો છો. 
 
દસ દિવસ વ્રત કર્યા પછી તમારી શક્તિ મુજબ બ્રાહ્મણને દાન આપવુ. તમે તમારી શક્તિ મુજબ સોનુ ચાંદી તાંબુ કે પંચધાતુની સાંઢણી બનાવીને દાનમાં આપી શકો છો. તમે જે મૂર્તિની દસ દિવસ સ્થાપના કરી તેને નદીમાં પધરાવી દેવી જોઈએ અને પછી આ વ્રતના પારણા કરી લેવા. 
 
જે લોકો દશામાનુ વ્રત ઉજવવા માંગતા હોય તેમણે દસ દિવસ પછી જે લોકોએ આ વ્રત કર્યુ હોય અથવા કરી રહ્યા હોય તેમને ગોયણી તરીકે જમાડવામાં આવે છે અને તેમને તમારી શક્તિ મુજબ સૌભાગ્યની વસ્તુઓનુ દાન કરવામાં આવે છે. તો મિત્રો આ હતી દશામાનુ વ્રત કરવાની સંપૂર્ણ વિધિ...  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Evrat jivrat vrat 2023 એવરત-જીવરત વ્રત ક્યારે છે અને આ કેવી રીતે કરવું