Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓનલાઇન શોપિંગ જેટલું સુવિધાજનક એટલું જ જોખમી - નિષ્ણાતની સલાહ સાથે કેટલાક સૂચનો.

ઓનલાઇન શોપિંગ જેટલું સુવિધાજનક એટલું જ જોખમી - નિષ્ણાતની સલાહ સાથે કેટલાક સૂચનો.
, મંગળવાર, 17 માર્ચ 2015 (15:16 IST)
આજકાલ દરેક વ્યક્તિ પોતાના વ્યસ્ત અને ઝડપી જીવનના કારણે ઓનલાઇન શોપિંગ કરવાનો આગ્રહ રાખે છે. તે વિકલ્પ જેટલો સુવિધાજનક છે, એટલી જ મુસીબતો પણ નોતરી શકે છે. ત્યારે કન્ઝ્યુમર વીકના ભાગરૂપે સપ્તાહના બીજા દિવસે ઓનલાઇન ફ્રોડ કે, મુશ્કેલીઓનો ભોગ બનેલા લોકોના અનુભવો અને નિષ્ણાતની સલાહ સાથે કેટલાક સૂચનો.

કેસ ૧:
'મેં થોડા વખત પહેલાં એક જાણીતી વેબસાઇટ પરથી ૨૪ કેરેટનો ૧૦ ગ્રામનો સોનાનો સિક્કો મંગાવેલો. મેં અગાઉ પણ એક બે વખત ઓર્ડર કરેલો એટલે મેં આ વખતે પણ મંગાવ્યો. મેં તેના ૨૯ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા અને ઓર્ડર કર્યાના ત્રણ દિવસ પછી મને મારું કુરિયર મળ્યું. મેં એ ખોલીને જોયું તો, મને ધ્રાસકો પડી ગયો, બોક્સમાં સોનાના સિક્કાના બદલે પાંચ રૂપિયાનો સિક્કો હતો. મેં તરત જ કંપનીના કસ્ટમર કેરમાં કોલ કર્યો અને મને ત્યાંથી વેબસાઇટને ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું. મેં તરત જ તેમને ફરિયાદનો ઇ મેઇલ મોકલ્યો, પણ મને કોઇ જ પ્રકારનું વળતર કે બીજુ કુરિયર નથી મળ્યું. પછી મેં તેમની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી ત્યારબાદ મને મારી ચૂકવેલી રકમ પરત મળી.'

કેસ ૨
'મેં એક જાણીતી વેબસાઇટ પરથી નેક્સસ ૫ મોબાઇલ મંગાવ્યો હતો. તેની મૂળ કિંમત તો ૩૦થી ૩૨ હજારની હોય છે, પણ મને ઓનલાઇન એ મોબાઇલ ૧૩ હજારમાં મળતો હતો, એટલે મેં તરત જ મંગાવી લીધો. બધું જ કન્ફર્મ થઇ ગયું. મને કન્ફર્મેશનના મેસેજ અને મેઇલ પણ આવી ગયા. પછી જ્યારે હું બે દિવસ પછી મેં ઓર્ડર ટ્રેક કર્યો તો પેકેજિંગમાં છે, એવી અપડેટ દેખાતી હતી, અને ત્રીજા દિવસે મને એવો મેસજ અને મેઇલ આવ્યા કે, મારો ઓર્ડર કેન્સલ થઇ ગયો છે. મેં એ વેબસાઇટ પર ફરિયાદનો મેઇલ કર્યો તો, મને એવો જવાબ મળ્યો કે, 'સેલરની પ્રાઇઝ એરરના કારણે આવું થયું છે અને મને પ્રલોભન આપવા માટે એક ૧૦૦૦ રૂપિયાના વાઉચરની ઓફર કરી, જે મેં ન સ્વીકાર્યું, એટલે મને કહેવાયું કે, 'અમે તો માત્ર બાયર અને સેલર વચ્ચે એક પ્લેટફોર્મ પુરુ પાડવાનું કામ કરીએ છીએ, તેથી ગ્રાહકને કોઇ પણ પ્રકારનું કુરિયર મળે તેમાં અમારી જવાબદારી નથી.'

પ્રીતિ શાહ, ચીફ જનરલ મેનેજર, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર

'ઓનલાઇન શોપિંગ સગવડભર્યું છે, અને તેમાં ગ્રાહકોને વ્યાપક પસંદગીનો અવકાશ પણ રહે છે. પણ લોકોએ એ સમજવાની જરૂર છે કે, કોઇપણ કંપની કે વેપારી તમને સસ્તુ કે ફ્રીમાં અાપીને પોતાનું નુકસાન ન વેઠે. તેથી ફ્રી અને ડિસ્કાઉન્ટ સ્કીમ્સથી અંજાઇને ખરીદી કરવાને બદલે આ પ્રકારની વેબસાઇટ્સ અને તેમની 'પૈસા પાછા ન આપવાની નીતિ અને વસ્તુઓ પરત આપવાની જટિલ અને લાંબી પ્રક્રિયાઓનો વિચાર પણ કરવો જરૂરી છે. '

ઓનલાઇન શોપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો:

-જાણીતી અને વિશ્વાસપાત્ર વેબસાઇટ પરથી જ ખરીદી કરો.
-તમે ખરીદી રહેલી પ્રોડક્ટ અને વેબસાઇટ વિશે પુરી માહિતી મેળવો, અન્ય લોકોના મંત્વ્યો અને અનુભવો જાણો.
-નાણાની ચૂકવણી કરતાં પહેલાં વસ્તુને બરાબર ચકાસી લો.
- વોરંટી મળતી હોય, તે જ વસ્તુ ખરીદો અને તેનો સ્ટોક ખતમ થવા આવે તો પણ ખરીદવાની ઉતાવળ ન કરો.
- કોઇ પણ વસ્તુ ખરીદતા પહેલાં તેના રિપેરિંગ, વસ્તુ પરત મોકલવાની શરતો કે, તેને બદલવાની શરતો જાણી લો.
- વેબસાઇટ સલામત છે કે, નહિ તે જાણવા માટે તેના યુઆરએલ અને પેડલોક સાઇન બરાબર ચકાસો.
- બને ત્યાં સુધી ખરીદી માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અને બેન્ક અકાઉન્ટ નંબરનો ઉપયોગ ન કરો.
- કોઇપણ પ્રકારની તકલીફમાં વેબસાઇટ પર જઇને ઉકેલ માગો, તે ન મળે તો, કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરો. તે ઉપરાંત ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમો પર તમારી ફરિયાદ ફોટો સાથે મૂકી દો.
- કોઇપણ ગ્રાહક સુરક્ષા સંગઠનની મદદ લઈને તેની વિરુદ્ધમાં ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરો અને પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગમાં પણ ફરિયાદ કરી શકો.


Share this Story:

Follow Webdunia gujarati