Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજના માટે રૂા. પ૦ કરોડનું બજેટ ફાળવાશે

રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજના માટે રૂા. પ૦ કરોડનું બજેટ ફાળવાશે
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (15:24 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌરઊર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહવપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ માટે પ૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ ર૦ હજારથી વધુ ઘરોમાં આવાં સોલાર રૂફટોપ માટે અરજીઓ મળી છે. રાજ્ય સરકારે આ હેતુસર બજેટમાં ૩પ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સૌરઊર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ ૧પ કરોડ સાથે કુલ પ૦ કરોડ સોલાર રૂફટોપ માટે ફાળવીને ૩પ થી ૪૦ હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યકત કરી છે. વડોદરામાં રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટૂ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું. ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણયુકત વાહનોના વપરાશથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવા સાથે આર્થિક ફાયદો અને સલામતિના હેતુસર શાળા-કોલેજોના યુવા-વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર માટે રૂ.૧૦ હજારની સહાયનું વિતરણ કર્યુ હતું. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોનો ઉપયોગ કરવામાં આવશે. 

વિજય રૂપાણીએ કહ્યું કે, વિશ્વ આખું આજે પર્યાવરણ પ્રત્યે ચિંતીત બનીને કલાયમેટ  ચેન્જના પડકારો સામે જાગૃત બની રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિએ તો સદીઓથી સૂર્યને દેવ તરીકે પૂજીને સૌરઊર્જાનો, પવન, પાણી જેવા કુદરતી ઊર્જાસ્ત્રોતોનો વિનિયોગ કરીને કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા-સભાનતા કેળવી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન ર૦૧૦માં દેશભરમાં આલયદો કલાયમેટ ચેન્જ વિભાગ રચવાની પહેલ કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.  વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા રહે અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું થાય તે માટે ગ્રીન-કલીન એનર્જી, સૂર્ય પવન, પાણીના સ્ત્રોતોનો મહત્તમ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું દાયિત્વ સૌએ નિભાવવું પડશે.    તેમણે આવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતમાંથી વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ દર્શાવતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ પેનલથી ઉત્પન્ન થયેલી વિજળી વપરાશ થાય અને વિજ બિલમાં બચત થાય તેવું વાતાવરણ ઊભું કરવું છે. 
વિજય રૂપાણીએ કુદરતી સ્ત્રોતોના વિવેકપુર્ણ-કરકસરયુકત-સવિનય ઉપયોગથી ભાવિ પેઢી માટે ઊર્જા સુરક્ષાનો ધ્યેય સિધ્ધ કરવાની પણ પ્રેરણા આપી હતી. તેમણે આ પ્રસંગે સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓની સીધી ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલનું, જીયુવીએનએલની વીજ બીલ ચુકવવા માટેની અને વીજ ફરીયાદ નિવારણ માટેની બે મોબાઇલ એપ્‍સનું વિમોચન કર્યુ હતું. તેમની સાથે ધારાસભ્‍યશ્રી સૌરભભાઇ પટેલ આયોજિત  અકોટા વિધાનસભા વિસ્‍તાર માટેના પ્રધાનમંત્રી મુદ્દા યોજના જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરાવવાની સાથે લાભાર્થીઓને કીટસનું વિતરણ કર્યું હતું. સોલર રૂફટોપ સિસ્‍ટમ અપનાવવા માટે સહુ થી વધુ ૮૦૦૦ જેટલી અરજીઓ દ્વારા તત્‍પરતા દર્શાવવા બદલ વડોદરાવાસીઓને હાર્દિક અભિનંદન આપ્‍યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીના સિરામીક ઉદ્યોગમાંChina Tileના વેચાણ પર બ્રેક લાગશે