Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લેગ ગ્લાન્સના બાદશાહ : રણજીતસિંહ

લેગ ગ્લાન્સના બાદશાહ : રણજીતસિંહ
, રવિવાર, 3 જૂન 2007 (09:53 IST)
ક્રિકેટનો ઈતિહાસ લખવામાં આવે અને તેમાં રણજીતસિંહનો ઉલ્લેખ ન કરાય, તો તે ઈતિહાસ અધૂરો ભાસે તે હદે ક્રિકેટમાં છવાઈ ગયેલા ભારતીય મૂળના રણજીતસિંહ ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા હતા. તેમની લોકપ્રિયતા તેઓ રમ્યા તે સમય પૂરતીજ મર્યાદિત નહોતી. આજે પણ તેઓ એટલા જ લોકપ્રિય છે. અંગ્રેજો લાડથી તેમને રંજી કહેતા.

રણજીતસિંહે તેમના રમત કૌશલ્ય અને ક્રિકેટ પ્રત્યેની સમર્પણ ભાવના દ્રારા ક્રિકેટની રમતમાં લેગ ગ્લાન્સ નામના આકર્ષક શોટને જન્મ આપ્યો. આજના ક્રિકેટરો માટે આ શોટ સામાન્ય બની ચૂક્યો છે. પરંતુ તેના સાચા પ્રદાતા તરીકેની શ્રેય રણજીસિહંને આપવો જ રહ્યો. આમ તો રણજીતસિંહ માટે બધા જ શોટ એ રમતની વાત હતી. પરંતુ જે રીતે તેઓ લેગ સાઈડમાં પાછળ ખસીને લેગ ગ્લાન્સ લગાવતા તેનો જોટો જડવો મુશ્કેલ છે.

નોંધપાત્ર વાત તો એ છે કે તેઓ ક્રિકેટ રમ્યા તેના લીધે તેઓ પોતે જ નહીં ક્રિકેટની રમત પણ લોકપ્રિય બની. કેટલાક લોકો તો માત્ર ને માત્ર તેમની રમત નીહાળવા જ ક્રિકેટ સ્ટેડીયમ સુધી ખેંચાઈને આવતા આવું તેમના વિષે કહેવાય છે. રણજીતસિંહ કટ અને ડ્રાઈવ શોટ્સમાં પણ તેમના સમયના અન્ય બેટ્સમેનો કરતા પાવરધા હતા.

એકાગ્રતા એ તેમની રમતની મુખ્ય ખાસિયત હતી. તેમના આ ગુણને લીધે જ તેઓ લાંબી રમત દાખવી શકતા હતા. 1893થી લઈને છેક 1920 સુધીના તેમના 27 વર્ષ લાંબા ક્રિકેટ કેરીયરમાં તેમના આ ગુણમાં ક્યાંય કચાશ ન વર્તાઈ. તેમણે તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 307 પ્રથમ કક્ષાની મેચોમાં 72 સદીઓની મદદથી 25000 જેટલા રન બનાવ્યા. જે તે સમયે કોઈ પણ ક્રિકેટર માટે અશક્ય અને અસામાન્ય કહી શકાય એવી સિદ્ધી હતી.

જન્મે રાજપૂત એવા રણજીતસિંહ તેમના ઘરે તો બહુ ઓછું ક્રિકેટ રમ્યા, પરંતુ 15 વર્ષની ઉંમરે તેઓ 1888માં ઈંગ્લેન્ડ પહોંચ્યા તેની સાથે ક્રિકેટ જગતમાં એક નવી દંતકથાનો જન્મ થયો. 1890માં ટ્રીનીટ્રી કોલેજમાં તેમણે નિયમિત રૂપે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. ત્યાં તેઓ ટોમ રીચાર્ડસન અને બિલ લોકવુડ જેવા ખેલાડીઓની રમતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા. આ જોઈને તેઓ કહેતા પણ ખરા કે મારે સૌથી વધુ મારી એકાગ્રતા અને ક્ષમતા પર મહેનત કરવાની છે.

રણજીતસિંહે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ માન્ચેસ્ટર ખાતેથી કરી. આ રીતે તેઓ ઈંગ્લેન્ડ તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પહેલા ભારતીય મૂળના ખેલાડી બન્યા. તેમણે તેમની પહેલી જ મેચમાં ધમાકેદાર શરૂઆત કરતા પહેલા દાવમાં 62 અને બીજા દાવમાં નોટઆઉટ રહીને 154 રન બનાવ્યા.

આગળ જતા રણજીતસિંહે ડબલ્યુ. જી. ગ્રેસનો એક કેલેન્ડર વર્ષમાં 1871 રનનો રેકોર્ડ તોડતા 10 સદીની મદદથી 57.91ની સરેરાશે 2780 રન બનાવ્યા. 1897માં તેમણે એ.ઈ. સ્ટોડાર્ટની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ ખેડતા પહેલી પ્રેક્ટીસ મેચમાં 189 અને પહેલી ટેસ્ટમાં 175 રન બનાવ્યા. 1899માં બે વખત તેમણે એક જ મહિનાની અંદર એક-એક હજાર રન અને 1900માં ફરી એકવાર એક જ મહિનામાં એક હજાર રનનું કારનામું કરી બતાવ્યું.

તેમણે સતત બે ઈનીંગમાં બે બેવડી સદી ફટકારી. 1902માં તેમમે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોમાંથી નિવૃત્તિ લીધી. ક્રિકેટ નીષ્ણાતોના મતે રણજીતસિંહ ની:શંકપણે ક્રિકેટ જગતાના સર્વકાલીન શ્રેષ્ઠતમ ખેલાડીઓ માંથી એક હતા. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતમાં તેમના નામે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ રણજીત ટ્રોફીની શરૂઆત કરવામાં આવી.

ટેસ્ટ રેકોર્ડ
15 ટેસ્ટ, 26 દાવ, 4 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 175, કુલ 989 રન, સરેરાશ 44.95, 2 સદી, 6 અર્ધસદી, 13 કેચ.
57 બોલ, 39 રન, 1 વિકેટ, સરેરાશ 39, શ્રેષ્ઠ બોલીંગ 23 રનમાં 1 વિકેટ.

પ્રથમ શ્રેણીનો રેકોર્ડ (1893-1920)
307 મેચ, 500 દાવ, 62 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 285 નોટઆઉટ, 24692 રન, સરેરાશ 56.27, 72 સદી, 233 કેચ.
4601 રનમાં 133 વિકેટ, સરેરાશ 34.59, શ્રેષ્ઠ બોલીંગ 53 રનમાં 5 વિકેટ, 4 વખત એક દાવમાં 5 વિકેટ.

Share this Story:

Follow Webdunia gujarati